એ ઝનુન ક્યાંથી આવ્યું એ યાદ નથી, એ ભૂત મારા પર શેમાંથી ભરાયું એ ખબર નથી રહી, પણ નાઈટજાર દિવસે જોવું છે, તડકામાં, ને એપણ એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કાર્ય વગર. સામાન્ય રીતે એવું થતું હોય કે આ પક્ષીની હાજરીથી અજાણ તમે સુકા પાનખર જંગલમાં કે ઝાડી ઝંખરાવાળાં મેદાનમાં ફરતા હોવ ને અચાનક થોડાક જ દુરથી જમીન પરથી કશુક ઉડે ને ખબર પડે, આલ્લેલે...આ તો નાઈટજાર હતું અહીં, ને આપણને દેખાયું પણ નહિ. પણ, મારે એમ નથી જોવું, સ્થિર બેઠું હોય ત્યારે જ એના પર નજર પડવી જોઈએ -આવું ભૂત ૨૦૧૫ ના ઉનાળાના દિવસોમાં મારા પર સવાર થઇ ગયું.
જે લોકો આ પક્ષી વિષે નથી જાણતા એમને કહીશ કે આ અદ્ભુત પક્ષી છે જે ગુજરાતીમાં દશરથીયાના નામે ઓળખાય છે. આમ તો સૂર્યાસ્ત પછી સહેજ જેવું અંધારું ઘેરાય એટલે દશરથીયાનો ચક ચક ચક ચકર્રર્ર.ર્ર.ર્ર એવો અવાજ એની હાજરી પુરાવી દે, ને રસ્તા પર ટોર્ચ લઈને ચાલતા હોવ તો હવામાં રાતીચોળ આંખો તરતી દેખાય તો માનો કે એ નાઈટજાર જ છે. ૨૪ સેન્ટીમીટરનું કદ ધરાવતું આ પક્ષી ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળે છે. કુદરતની ખરી કમાલ એના રંગમાં છે. રંગ એવો છે કે જમીન પર અને વૃક્ષોની નીચી ડાળી પર જ બેસવાને ટેવાયેલું આ પક્ષી બેક્ગ્રાઉન્ડની સાથે એટલું ઓતપ્રોત થઇ જાય કે જલ્દી દેખાય જ નહી,. રાખોડી ને ધૂળિયા રંગનું આ પક્ષી સોનેરી રંગની ગરદન અને કોલર ધરાવે છે અને ગળાના બાજુના ભાગે સફેદ ડાઘ ધરાવે છે. દેખાવમાં સહેજ સપાટ માથું અને સફેદ છેડાવાળી પૂછડી એને તરત ઓળખાવી દે. પ્રાકૃતિક હરીફાઈના પરિણામે એને પ્રમાણમાં પહોળી મોફાડ મળી છે જેથી હવામાં ઉડતા ઉડતા જ કિટકોને પકડી શકે, અને ચાંચની આસપાસના ટૂંકા પણ કડક વાળ એને કીટકો પકડી રાખવામાં મદદ કરે છે. અજાયબી એ છે કે આ પક્ષી માળો બનાવતું જ નથી. જમીન પર, ટીટોડીની જેમ જ, થોડોક ભાગ સાફ કરીને એમાં ક્રીમ ગુલાબી કલરના બે કે ત્રણ ઈંડા મુકે છે.
હા, તો હવે મારી વાત. B.Sc. પૂરું કરીને માસ્ટર્સ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન મારા ગામની આસપાસ રખડતો, પક્ષીઓનું અવલોકન કરવા. સાંજના સમયે નાઈટજાર તો જોયેલા પણ દિવસે ક્યારેય જોયેલા નહિ, બેઠેલા. એક વખત સાંજે જ વિચાર આવ્યો કે અત્યારે આટલા દેખાય છે ને દિવસે એક પણ નહી? હવે આને દિવસે જ જોવા છે. નક્કી કરી લીધું ને ખભે કોથળો ને દેહ મોકળો એમ કરી નીકળી પડ્યો, બાઈનોક્યુલર અને પક્ષીઓની ફિલ્ડ ગાઈડ લઈને. ધખધખતો ઉનાળો હતો, પણ સાંભળેલું કે આ પક્ષી ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં પ્રજનન કરે છે એટલે અત્યારે મળી જાય એની શક્યતાઓ ઘણી હતી. ગામની બહાર નીકળીને સીમાડે પહોચ્યો, ધારું ને બાવળિયાની કાંટવાળા વિસ્તારમાં. ચકોર નજરથી બધે જોતો જોતો ચાલતો હતો પણ ક્યારેક કોઈ લાર્ક, બુલબુલ, હોલા ને તેતર દેખાઈ જતા પણ નાઈટજાર ક્યાંય ન મળે. ચાલતા ચાલતા એક બે ગામની ધારું ખુંદી નાખી પણ કોઈ પત્તો નહી. પત્તો નહી એમ તો ન કહેવાય, હશે તો ખરું જ, પણ હજી કેળવાતી આવતી મારી આંખો એણે જોઈ ન શકી. કુદરતની આ બેજોડ કરામત છે. દરેક પક્ષી અને પ્રાણીનેએના આવાસને અનુલક્ષીને એવો કલર જ પ્રદાન કર્યો કે એ જલ્દી નજરે ન ચડે, ને શિકારીથી બચી રહે, પણ હું ક્યાં શિકારી હતો? મને તો દેખાવું જોઈએ ને! પણ કુદરત તો બધા માટે સરખી, ન જ દેખાયું. એક દિવસમાં ગામની એક દિશાએ આવેલા ચારેક ગામની સિમો મળે છે એ ભાગ જોઈ નાખ્યો. આમ ને આમ એક અઠવાડિયું નીકળી ગયું. દોષ કદાચ મારો જ હતો. હું હજી પુરતો કેળવાયો નહોતો, પણ એમ જ શીખાતું જશે એમ કરીને ફરતો રહ્યો. સાથે કોઈ નહી, હું એક ને એક બાઈનોક્યુલર-ઉધાર માગેલું, બેગમાં ફિલ્ડ ગાઈડનું થોથું ને પાણી. અઠવાડિયામાં તડકામાં જ રખડવાને લીધે બેગના પટ્ટાએ ખભાનો ભાગ ને થોડી પીઠ કાળી કરી નાખી. પણ વાંધો નહી, પક્ષી તો જોવું જ છે, મળવું જ જોઈએ. વચ્ચે પાછું થોડું ખેતીનું કામ આવી ગયું એટલે આ શોધ ખોરંભે ચડી. પાછો પંદરેક દિવસ પછી નીકળી પડ્યો. એ જ લેન્ડસ્કેપમાં. આ વખતે મારા વાડી પડોશીનો દીકરો-નાનકડો, ૧૦એક વરસનો-સાથે હતો, એ માત્ર કુતુહલવશ સાથે આવેલો. અમે એક ધારની તળેટીમાંથી જતા હતા, એ મારી આગળ એની ધૂનમાં ચાલતો હતો. હું છેટે રહીને અવલોકન કરતો ચાલતો હતો. અચાનક એ છોકરાની બાજુમાંથી કશુક ઉડ્યું. ઉડીને ક્યાં ગયું એ કાંઈ ધ્યાન ન રહ્યું એનું. મને લાગ્યું કે નાઈટજાર હોવું જોઈએ, પણ મળ્યું નહી. હવે મારી ધીરજની કસોટી હતી. પણ સમય જતા જોવું જ છે એ નિશ્ચય દૃઢ થઇ ગયેલો. બે ચાર દિવસ ગયા પછી ફરી એ જ સ્થળે ગયો જ્યાં પેલા છોકરાના પગ પાસેથી કશુંક ઉડેલું. ધારની તળેટીનો એક એક પથ્થર હું તપાસતો હતો. મારી નજર ફરતી ફરતી ચોમાસામાં પાણી ભરાઈ રહે એટલા માટે બનાવેલા પાળાની ધારે પડેલા પથ્થરોમાં પડી. અને યુરેકા ! પથ્થરની આડશમાં એક નાઈટજાર બેઠેલું હતું. અધખુલી આંખોથી જાણે પ્રભુ સ્મરણ કરતું હોય એમ શાંત મુદ્રામાં એણે જોઇને આંખોને ટાઢક વળી. આટલા દિવસોની મહેનત પછી નાઈટજાર જોવામાં હું સફળ થયો હતો. એ વખતે હું કાર્બન નો ફોન વાપરતો, જેનો કેમેરા કાંઈ બળવાન નહોતો. મેં ફોટોગ્રાફ લેવાની કોશિશ કરી પણ આશરે ૧૫ મીટર દુર બેઠેલું નાનકડું પક્ષી એમાં ઝીલાયું નહી. પણ ફોટોગ્રાફ તો લેવો જ છે, આટલા દિવસો ગાળ્યા છે આની પાછળ તો. પછી આઈડિયા આવ્યો કે બાઇનોક્યુલરના આઈપીસમાં કેમેરાનો લેન્સ રાખીને ફોટો લઇ લઉં. પણ એમાં ય ખરી મુસીબત હતી. બાઇનોક્યુલર સહેજ હલી જાય એટલે નાઈટજાર તો ખોવાઈ જ જતું હતું, ને મળે ત્યારે કેમેરો ફોકસ નહોતો કરતો. છેવટે, મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ ચાલુ કર્યું ને બાઇનોક્યુલરની મદદથી વિડીયો ઉતાર્યો. આ ૩૦ સેકંડના વિડીયો માટે ૨૦ દિવસ હું ફર્યો, ધોમ તડકામાં. પણ આજે પણ એ વિડીયો જોવ છું ત્યારે જેટલો આનંદ થાય છે એટલો આનંદ આજે મારા નીકોન P૯૦૦ કેમેરાથી લીધેલા HD ફોટોઝ જોવાથી નથી થતો.