Search This Blog

Tuesday, March 22, 2016

હોળીની હોળી



૩૬૫ દિવસના વરસમાં ૩૬૫ તહેવારો ઉજવતા નોખા અનોખા દેશમાં ઓર એક તહેવાર આવી ગયો...હોળી. ના ના, હોળી એકલી નહીં, હોળી-ધૂળેટીનો તહેવાર. અગ્નિ અને રંગોના આ અદ્ભુત તહેવાર પર મીરાબાઈને લખવાનું મન થાય કે,

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે… 

હું તો કેસૂડો પલાળીને, ગુલાલના પડિકા બાંધીને ધૂળેટી ઉજવવા સજ્જ થઈને બેઠો તો ત્યાં સમાચાર પત્રોના મધ્યમથી કોઈ ડાહ્યા વ્યક્તિ કે કોઈ ડાહી સંસ્થા દ્વારા જાહેરખબર વાચવા મળી કે આ વખતે પાણીથી નહીં પણ માત્ર ગુલાલથી હોળી માનવીએ...માત્ર ગુલાલનું તિલક કરીને. ઓત્તારી....પાણીથી નહીં? પણ કેમ? તો કે પાણી બચાવો, પાણી તમને બચાવશે! અને પછી આંકડાની ભરમારથી સમજાવવામાં આવ્યું કે ધૂળેટીના દિવસે કેટલું પાણી વેડફાય છે. એવું જ હોળીનું...પ્રદૂષણ થાય ધુમાડાથી. બાપરે! વાત તો સાચી. પણ બીજી ક્ષણે દિમાગ વિચારે ચડી ગયું...હરેક તહેવાર વખતે કેમ ના પડે છે બધા? દિવાળી આવી, ફટાકડા ના ફોડો- પ્રદૂષણ હવા ને અવાજનું. નવરાત્રિ આવી, ડીજે બંધ-અવાજનું પ્રદૂષણ. ગણેશોત્સવ આવ્યો, ગણેશજીને તળાવમાં ના પધરાવો-પાણીનું પ્રદૂષણ.  ઉત્તરાયણ આવી, પતંગ ના ચગાવો-પક્ષીઓના ગાળા કપાય છે.

લાગે છે, છેલ્લા થોડાક વર્ષોથી આ ટ્રેન્ડ બનવા લાગ્યો છે. કોઈ પણ હિન્દુ તહેવાર આવે એટ્લે મનાઈ ફરમાવતી જાહેરાતો...ક્યાક પ્રદૂષણનું બહાનું, ક્યાક જીવદયા. પણ વિચાર એમ આવે કે જે દેશ લાખો વર્ષથી રોજનો એક તહેવાર માનવતો આવ્યો છે એ દેશમાં અચાનક તહેવારો પ્રદૂષણ કેમ કરવા લાગ્યા? કેમ અચાનક પક્ષીઓના ગળા કાપવા લાગ્યા?

હોળી-ધૂળેટી ચાલે છે તો એની જ વાત કરું. આ વખતે તો તિથિઓએ એવી રમત કરી છે કે દરેક ભારતવાસી ગબ્બરસિહની જેમ પૂછવા લાગ્યો છે, હોળી કબ હૈ? કબ હૈ હોળી? વાત એમ છે કે સેંકડો વર્ષોથી આ દિવસે આ દેશનું બાળક સવારમાં ઊઠીને સૌથી પહેલા પોતાની પિચકારી શોધે છે, નવયુવાનો મોટાભાઇ પરણીને લાવેલી નવી ભાભીને શોધે છે, મહિલાઓ તલસાંકળી ને શિંગપાક બનાવે છે ને ડોસા-ડગરા દાન આપવા ડેલીએ બેસી જાય છે. જેમ દી ચડે છે એમ બાળકો ને યુવાનો રંગોમાં ગુલતાન થઈ જાય છે. કાદવ કીચડ ને જમાનો બદલાયો એટ્લે હવે પાકા રંગો છાટીને યુવાન હૈયું બીજા યુવાન હૈયાને રંગોથી તરબોળ કરે છે...ક્યાક એ રંગ દોસ્તીનો છે, ક્યાક એ બે યુવાન હૈયા વચ્ચેના પ્રણયનો છે, ક્યાક દિયર ભોજાઈ વચ્ચેની પવિત્ર મજાક છે તો ક્યાક એ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું ઝરણું છે. આવે વખતે તો પાનખરમાં ભૂખરા અને નીરસ લગતા પહાડોય પલાશના કેસરી રંગના વાઘા પહેરી લે છે, ત્યારે એક હ્રદય બીજા હ્રદયને ભીંજવ્યા વગર શી રીતે રહી શકે? કયું બાળક  પોતાના પડોશીના બાળક કરતાં પોતાની પાસે મોટી પિચકારી છે ને એની “શેડય ઓલી ભીત હુધિ પોગે સે” એમ કહ્યા વગર રહી શકે? કયો પ્રેમી પોતાની શેરીની પોતાને ગમતી નવયુવતીના ભરેલા બદનને ભરપૂર પાણીથી તરબતર કરીને પ્રેમિકાના ભીના થઈને શરીરને ચોંટી ગયેલા વસ્ત્રોમાં દક્ષિણના સૂર્યમંદિરોની પ્રતિમા સામા લગતા લપસી પડાય તેવા વળાંકો નીરખ્યા વગર રહી શકે? ને આવા વખતે કોઈ એમ કહે કે ભાઈ તિલક હોળી ને તિલક ધૂળેટી માનવો...(....) સમજી ગયા ને? અરે હોળી-ધૂળેટી એ રંગો નો તહેવાર છે તો શા માટે ભાઈ રંગો ના છાંટીએ? આ અધિકાર છે આ દેશની જનતાનો કે હરેક તહેવાર તેની આગવી રીતથી મનાવવો. ભાઈ નવરાત્રિ વખતે ખેલૈયાઓ નહીં ખેલે તો શું ઉનાળાની બપોરે રમશે? દિવાળીમાં ફટાકડા ના ફોડીએ તો શું ઘરમાં ઘૂસીને ખાલી મીઠાઇ જ ખાવાની? ઉત્તરાયણના દિવસે પતંગ ના ચગાવીએ તો શું ખાલી ફળિયામાં તડકે બેસીને શેરડી ખાધા કરવાની?

હવે સવાલ એમ ઊભો થાય કે શું તહેવારો ના મનાવવા એ જ તહેવારોની આડઅસર નિવારવાનો એક માત્ર ઉપાય છે? અને જો એ એક માત્ર ઉપાય હોય તો એ ઉપાય કોઈ પણ ભારતીય નાગરિકને માન્ય ન હોઈ શકે. પહેલા જ કહ્યું તેમ આ દેશ તહેવારોનોનો દેશ છે, રંગોનો દેશ છે, સંગીતનો દેશ છે. શું આ વર્ષો જૂની આગવી ઓળખને પ્રદૂષણ ના નામે હોમી દઇશું? કોઈએ વિચાર્યું કે ઉત્તરાયણના પતંગો બનાવવામાં કેટલા ગરીબોને રોજી રોટી મળે છે? ધૂળેટીના ગુલાલ બનાવવાના કામથી કેટલા પેટના ખાડા પુરાય છે? આ તહેવારો બંધ કરશો તો એની રોજી-રોટીનું શું? હોળી-ધૂળેટીના દિવસે રંગો નથી છંટાતા તો એ તહેવારનું મહત્વ શું? અને એવું જ છે કે ધૂળેટીમાં જ પાણી વેડફાય છે? મ્યુનિસિપાલિટીની પાણીની લાઈનો હર અઠવાડિયે તૂટેલી હોય છે એના તરફ આંગળી ચીંધવાની જવાબદારી સોશિયલ મીડિયાની ખરી કે નહિ? તો પછી કેમ માત્ર આવી જ જાહેરખબરો આવે કે “તિલક હોળી માનવો”? શું માત્ર નવરાત્રીમાં જ અવાજ થાય છે? છડેચોક પીપ પીપ પીપ ના કાન ફાડી નાખે એવી બાઈક્સ ને ખટારાને કેમ નથી રોકવામાં આવતા? કેટલીય ફેકટરીઓના ધુમાડા પ્રદૂષણ બોર્ડના નિયત કરેલા કાયદાના છોતરાં ઉખાડી નાખે એ હદને પણ વટાવી ગયા એનું કઈ નહીં ને દિવાળીના ફટાકડા પ્રદૂષણ કરે?  અહી હું એમ બિલકુલ નથી કહી રહ્યો કે તહેવારોથી પ્રદૂષણ થાય તો પણ ઉજવવા જ. પણ હું માનું છુ કે તહેવારો જીવવા જ જોઈએ. નહિતર આ દેશની અદ્ભુત સંસ્કૃતિ નાશ પામશે અને એક દિવસ આ તહેવારો માત્ર પુસ્તકોમાની વાર્તા બની જશે. તહેવારોથી થતી આડસરોને રોકવા માટે વચ્ચેના ઉપાયો યોજવા એ જ પ્રેકટીકલ ઉપાય છે, તહેવારોને ઉજવાતા રોકી દેવા એ નહીં. વ્યવહાર બદલવો એ સાચો ઉપાય છે, તહેવાર બદલવો એ નહીં.






No comments:

Post a Comment