Search This Blog

Tuesday, April 19, 2016

કોલેજમાં પ્રવેશી રહેલા નાના ભાઈને મોટાભાઈ તરફથી એક પત્ર.


કોલેજમાં પ્રવેશી રહેલા નાના ભાઈને મોટાભાઈ તરફથી એક પત્ર.
પ્રિય અનુજ ગૌતમ,
પત્રો અને ફેક્સનો જમાનો હવે લગભગ ખતમ થઇ ગયો છે. હવે સંદેશાઓ પહોચાડવા માટે ફેસબુક, વ્હોટસ એપ અને બ્લોગ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા માંડ્યો છે. કદાચ વર્ચસ્વ સ્થાપાઈ ગયું છે એનું. તો હવે આપણે પણ અપગ્રેડ થવું રહ્યું હેં ને !
હું તને આ એટલા માટે લખી રહ્યો છું કે હવે તું કોશેટામાંથી બહાર આવીશ. તે તારું શાળાકીય શિક્ષણ પૂરું કરી લીધું છે અને આવતીકાલે તું કોઈ મહાવિદ્યાલયમાં દાખલ થઈશ. એવું કહેવું સાવ સાચું રહેશે કે તું અત્યાર સુધી સાવ જ સલામત વાતાવરણમાં હતો. જો કે ત્યાં પણ તે ઘણાં અનુભવો કર્યા હશે કારણ કે તું હોસ્ટેલમાં રહીને ભણ્યો છે. હું હોસ્ટેલની ની જિંદગીને ખુબ આદરથી જોઉ છું કારણ કે હોસ્ટેલ પોતે એક શાળા છે જ્યાં તમે અલગ અલગ સમાજમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે રહો છો અને તેમની રીતભાતો સાથે સમાધાન કરીને ભાઈચારાની ભાવનાથી જીવો છો. પણ તારી અત્યાર સુધીની જિંદગી કદાચ પુસ્તકોની વચ્ચે જ પસાર થઇ છે. અને તું જ્યાં ભણ્યો છે એ સંસ્થાએ તને સમાજથી વિખુટો પડી દીધો હતો, એટલે સામાજિક જીવન ની જે વ્યવહારિકતા આવવી જોઈએ એ તારામાં હજી ન આવી હોય તેવું બની શકે.
પણ હવે સમય છે ક્લાસ રૂમમાંથી બહાર નીકળવાનો. કોલેજનું શિક્ષણ અને સ્કુલનું શિક્ષણ ખુબ જ અલગ છે. હવે તું એવા વાતાવરણમાં જઈ રહ્યો છે, જ્યાં બિલકુલ સલામતી નથી...અને એ જ તો જિંદગી છે...અસલામતીમાં જ તમે તમારી જાતની અંદર ડોકિયું કરી શકો. પણ આ નવી શરૂઆત કરતા પહેલા થોડા મુદ્દાઓ તરફ તારું ધ્યાન દોરી દઉં, જે મેં અનુભવ્યું છે અને મને લાગે છે કે મારે તને કહેવું જોઈએ. દોસ્ત આ સમય એવો છે કે તારું લોહી ઉકળતું છે, રોજ નવા નવા વિચારો આવતા હશે. તું બહારની દુનિયામાં નજર કરીશ તો ઘણી બધી બાબતો તારી નજરે ચડશે અને તને લાગશે કે આ બદલવું જોઈએ. જિંદગી વિષેના તારા ખયાલાતો બદલશે. રોજ એક નવું સત્ય તારી સામે આવીને ઉભું રહેશે. આવા સમયે ઘણી વખત તને આનંદ થશે, ઘણી વખત તને ગુસ્સો આવશે, ઘણી વખત તને દુખ થશે તો ઘણી વખત તને નિરાશા પણ થશે. પણ આવા સમયે શાંત મન રાખીને તારા વર્તમાનને શું અનુકુળ છે એ જોઈને તારે નિર્ણય લેવાનો થશે. આવા સમયે એવું બને કે તું તારી જાતને એકલો માની બેસે, પણ હકીકત એ છે કે કોઈ જ એકલું હોતું નથી, જો તમે પોતે તમારી સાથે હોવ.
છેલ્લા થોડા મહિનાઓથી તું ખુદ તારી અંદર થઇ રહેલા ફેરફારોને નિહાળી શકતો હોઈશ. હવે તારું શરીર ખુબ બધા ફેરફારો કરી રહ્યું છે પોતાની અંદર. હવે દર અઠવાડિયે તારે દાઢી બનાવવી પડે છે. તારા પૌરુષી અન્તાસ્ત્રવો સક્રિય થઇ રહ્યા છે. શરીરની અંદર શારીરિક અને ભાવાત્મક આવેગો વધી રહ્યા છે એ તું પોતે જ અનુભવી રહ્યો છે. કોલેજના મુક્ત વાતાવરણ અને તારા શારીરિક ફેરફારો તને વિજાતીય પાત્ર તરફ આકર્ષવા પ્રેરશે. આ ખુબ સામાન્ય બાબત છે કે આપણા શરીરની આસપાસ ૬૦ સેન્ટીમીટરની ત્રીજ્યામાંથી કોઈ વિજાતીય પાત્ર પસાર થાય અને શરીરમાં એક રોમાંચનું લખલખું પસાર થઇ જાય. આવા વખતે ખુબ સંભાળવાની જરૂર છે. ઘણી વખત તમે જેને પ્રેમ માનતા હોવ એ બીજું કઈ નહિ પણ માત્ર શારીરિક આવેગ હોય છે. આવા આવેગો કાબુ બહાર જતા રહે તો ખરાબ પરિણામો લાવી શકે છે. સખી હોવી એ ખરાબ બાબત નથી, હું તો કહું છું કે સારી સખી હોવી એ અદ્ભુત ઘટના છે, પણ એ સખી સાથેનો સંબંધ ઓળખી લેવો ખુબ જ જરૂરી છે. ક્યાંક એવું ના બને કે છેલ્લે એ સંબંધ મિક્સ થઇ જાય અને તમને દુખ પહોચાડે. એવી જ રીતે મિત્રોને ઓળખવા પણ ખુબ જરૂરી છે. જરૂરી નથી કે તમારી પાસે મિત્રોની એક આખી પલટણ હોય, જરૂરી એ છે કે એવા મિત્રો તમારી પાસે હોય જે તમારા વિકાસમાં મદદ કરે. આવા સમય દરમિયાન સંબંધોનું વ્યવસ્થાપન કરવું ખુબ જરૂરી છે. દરેક સંબંધો સાચા નથી હોતા. કોણ સ્વાર્થનો સંબંધ રાખે છે અને કોણ ભાવનાથી જોડાયેલો છે એ જાણવું જરૂરી છે અને અવા સમયમાં કોઈ સંબંધ તૂટે ત્યારે સંબંધને તોડી નાખતા પહેલા ચારે બાજુનો વિચાર કરી લેજે. આપણી અંગાળીનો નખ વધે ત્યારે આપણે આંગળી નથી કાપતા, નખ કાપે છીએ, પણ હા, જો આંગળીમાં ગેન્ગ્રીન થયું હોય તો આંગળી પણ કાપવી પડે. મતલબ, જયારે વાત વણસે ત્યારે જોજે કે એ તારી આંગળીમાનો વધેલો નખ છે કે ગેન્ગ્રીન. સંબંધોમાં અને પરિસ્થિતિઓમાં ક્યારે અટકવું અને ક્યાંથી છટકવું એ શીખવું ખુબ જરૂરી છે. આ સમય દરમિયાન તારે તારી જાતને ઓળખવાની છે. તારા રસના વિષયો શોધવાના છે. જરૂરી નથી કે તું યુનીવર્સીટીની પરીક્ષામાં પહેલા ક્રમાંકે પાસ થા, પણ જરૂરી એ છે કે તું જે શીખે તેનો પ્રેક્ટીકલ ઉપયોગ કરતા શીખે. માર્ક્સ અને રેન્ક એ ક્યારેય તમારી હોશિયારી કે આવડતનો પુરાવો નથી. માત્ર તારા સિલેબસને દિમાગમાં ઉતારી દેવો એ શિક્ષણ નથી ભાઈ, શિક્ષણ નો મતલબ છે એવી આવડત મેળવો જે તમારા સપનાઓ સાકાર કરવામાં તમને મદદ કરે અને સમાજને ઉપયોગી થાય તેવો વ્યક્તિત્વ વિકાસ કરો.
હવે આ સીરીયસ વાતોને છોડીએ. આ સમય મોજ-મજા કરી લેવાનો પણ છે. ચોવીસ કલાક ભણ્યા કરવું એ જરૂરી નથી. કોલેજ નો મતલબ જ થાય છે દરેક પ્રકારના અનુભવો કરો, પણ તેમાં સારા નરસાનું વિવેકભાન રાખવું જરૂરી છે. જરૂરી નથી કે રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે સુઈ જવું ને સવારે ૫ વાગ્યે જાગી જવું. ક્યારેક આખી રાત ચીલ કરી લેવામા ને રજાના દિવસે અખો દિ હોસ્ટેલના રૂમમાં બારી-બારણા બંધ કરીને મસ્ત અંધારું કરીને ઘોર્યા કરવામાં પણ એક અદ્ભુત મોજ છે. ક્યારેક રાત્રે ફૂલ ડીનર લેવાને બદલે પેપ્સી અને ગોપાલના નમકીન ખાઈ ને ટચુકડી પાર્ટી પણ કરી લેવાની. મિત્રો-સખીઓ સાથે ક્યાંક ચાની લારી પર ચૂસકી લેવામાં જે મજા છે એ મજા તું કોલેજ પછી નહી લઇ શકે. જે શહેરમાં તું ભણવા ગયો છે એ શહેરની દરેક જાણીતી વાનગીઓ ખાઈને મજા લુંટી લેવાની,  એ શહેરના અંધારા વિસ્તારો પણ ઘૂમી લેવાના અને ક્યારેક રાતનો છેલ્લો શો જોઈને ચાલતા ચાલતા હોસ્ટેલ પાછું ફરવાનું...કેટલું સેક્સી લાગે ! દોસ્ત આ દરેક બાબતો તારા મન અને વિચારોની સીમાઓને મોટી બનાવશે. તારા વિચારો આમાંથી પરિપક્વ બનશે. તારી દ્રષ્ટિ વિશાળ બનશે. આ બધી બાબતો દરમિયાન તું એવા મિત્રને શોધી શકીશ જેની સાથે તું મુક્ત ચર્ચાઓ કરી શકે, વિચારોનું આદાન-પ્રદાન કરી શકે. અને હા, એક મહત્વની વાત-તારા શહેરના પુસ્તકાલયની મુલાકાત લેવાનું ભૂલથી પણ ભૂલતો નહી. તમે તમારા શહેરનું પુસ્તકાલય નથી જોયું એનો મતલબ કે તમે તમારા શહેરને ઓળખ્યું નથી. પુસ્તકો એ આપણી જિંદગીનો એક હિસ્સો છે જેનું જતન થવું જ જોઈએ. સારી ફિલ્મો અને સારા પુસ્તકોમાંથી ઘણું બધું શીખી શકાય છે એ મેં અનુભવ્યું છે.
આ બધા દરમિયાન તું ખુબ બધી ભૂલો કરીશ. ઘણી જગ્યાએ નાદાની દાખવીશ, પણ  ખાતરી રાખજે કે અમે તારી સાથે છીએ. તું ક્યારેય એકલો નથી. ભૂલો કરવી એ ક્યારેય ખરાબ બાબત નથી, પણ એ પુનરાવર્તિત ના થાય એ જોજે, એમાંથી કૈક શીખજે. ખુબ વિચારી વિચારીને જીવવું જરૂરી નથી, જરૂરી છે દિલ-દિમાગને ખુલ્લા રાખીને જીવવું, પોતે જે છીએ તે જ રહી ને જીવવું. મેં તને આ જે જે બાબતો કહી છે એ દરેક બાબતો મારા સારા નરસા અનુભવો અને મેં કરેલી ભૂલોનો નીચોડ જ તો છે ભાઈ! આ જે લખું છું તેને વજન ના બનાવી દેતો, એને હળવાશથી હૃદયમાં ઉતારજે. આ દરેક બાબતો તું અનુભવથી શીખી જઈશ.
શુભાશિષ સાથે...

2 comments: